સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા,
ટાળ્યા તે કોઈ ના નવ ટળે, રઘુનાથ ના જડીયા,... સુખ દુઃખ,
નળ રાજા સરખો નર નહિ, જેની દમયંતી રાણી,
અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યા, ના મળ્યા અન્ન ને પાણી,...સુખ દુઃખ,
પાંચ પાંડવ સરખા બાંધવ, જેને દ્રોપતિ રાણી,
બાર વરસ વન ભોગવ્યા, નયણે ન નિદ્રા આણી,...સુખ દુઃખ,
સીતા સરખી સતી નહિ, જેના રામજી સ્વામી,
રાવણ તેને હરિ ગયો, સતી મહા દુઃખ પામી,...સુખ દુઃખ,
રાવણ સરીખો રાજિયો, જેની મંદોદરી રાણી,
દશ મસ્તક છેદાઈ ગયા, બધી લંકા લુંટાણી,...સુખ દુઃખ,
હરિચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાની,
તેને વિપત બહુ પડી, ભર્યા નીચ ઘેર પાણી,...સુખ દુઃખ,
શિવજી સરખા સાધુ નહિ,જેની પાર્વતી રાણી,
ભોળવાયા ભીલડી થકી, તપ માં ખામી ગણાણી,...સુખ દુઃખ,
એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે,
જુઓ આગળ સહાય ઘણી કરી, તેથી અર્થજ સરશે,...સુખ દુઃખ,
સર્વ કોઈને જયારે ભીડ પડી, સમર્યા અંતર્યામી,
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈંઇયા ના સ્વામી,...સુખ દુઃખ,
-નરસિંહ મહેતે,
No comments:
Post a Comment